National

ગોત્રી હોસ્પિટલમાં અવાર નવાર લાઇટ ડૂલ, 2 કોન્ટ્રાક્ટરને નોટિસ

ગોત્રી કોવિડ હોસ્પિટલમાં 10 દિવસથી વીજ પ્રવાહના ધાંધિયા સર્જાઇ રહ્યા છે. આ મુદ્દે પીઆઇયુ દ્વારા અપાયેલા કોન્ટ્રાક્ટરો મેસર્સ પ્રદીપ પટેલ અને મેસર્સ પરેશ રાદડિયાની કામગીરીમાં અનિયમિતતા બહાર આવી છે. આ બંને કંપનીઓએ કોવિડ મહામારીમાં લોકોની જાનને જોખમમાં મૂકવા હોવાનું કૃત્ય કર્યું હોવાની વિગત સાથે હોસ્પિટલ સુપરિન્ટેન્ડેન્ટે કમિશનરને પત્ર પાઠવીને બંને કંપનીના કોન્ટ્રાક્ટરો યોગ્ય કામગીરી કરે તે માટે પત્ર પાઠવ્યો છે.

ગોત્રી હોસ્પિટલમાં વીજ પ્રવાહના મુદ્દે 10 દિવસથી ભારે અનિયમિતતા જોવા મળી રહી છે. મંગળવારે રાત્રે તો હોસ્પિટલનો વીજ પુરવઠો ખોરવાતાં આંધાધૂંધી સર્જાઇ હતી. જેમાં પીઆઇયુ થકી ઇલેક્ટ્રિકલ સપ્લાય, ઇન્સ્ટોલેશન અને મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ મેળવેલી બંને કંપનીઓની અનિયમિતતા સામે આવી હતી. આ ઘટનાના પગલે ઓએસડી ડો. વિનોદ રાવે 20ના રોજ મહત્વની બેઠક ગોત્રી હોસ્પિટલ ખાતે રાખી હતી. જેમાં બંને કોન્ટ્રાક્ટરો પ્રદીપ પટેલ અને પરેશ રાદડિયાને હાજર રહેવા સૂચના આપી હતી.

જોકે બંને કોન્ટ્રાક્ટરો મીટિંગમાં ધરાર ન આવ્યા. જેના પગલે હોસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટે પોલીસ કમિશનરને પત્ર પાઠવીને આ બંને સામે યોગ્ય પગલાં લેવાની માગ કરી છે. અગાઉ નાકરાણીના કોન્ટ્રાક્ટર સામે પણ ક્લાસ ફોરની કામગીરી મુદ્દે ગંભીર ફરિયાદો ઊભી થઇ હતી ત્યારે તે ધરાર આવ્યા ન હતા. ત્યારે પણ સરકારી પત્ર જાહેર કરાયો હતો.

ઉલ્લેખનીય છે કે, ગોત્રી હોસ્પિટલમાં ત્રીજા માળે એક ફોલ્ટ સર્જાતાં ગુરુવારે ત્રીજા માળથી છઠ્ઠા માળની લાઇટો બંધ રહી હતી. જેના પગલે તબીબો અને નર્સિંગ સ્ટાફ જ નહીં, પણ ક્લાસ ફોર કર્મચારીઓ અને દર્દીઓને પણ આપદા વેઠવી પડી હતી. પંખા બંધ રહેતાં કર્મચારી પીપીઇ કિટમાં બાફ અનુભવતા હતા. ગોત્રી હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ફલોરથી કેબલ દરેક ફ્લોરમાં ન જતાં એક જ બસબાર નામના યુનિટથી જાય છે. જેમાંથી જ વાયરિંગ નીકળે છે. આ બસબાર યુનિટમાં ભંગાણ સર્જાતાં આ ફોલ્ટ સર્જાયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button