National

તમારે પોતાની માલિકીનો ઓક્સિજન પ્લાન્ટ મફતમાં લગાવવો છે?

વડોદરા તા.૭ જૂન, ૨૦૨૧ (સોમવાર) 

કોરોના કટોકટીમાં ઓક્સિજન એટલે કે પ્રાણવાયુંનું મહત્વ સમજાયું છે અને દરેકને પોતાનો એક ઓક્સિજન પ્લાન્ટ હોય તો કેવું સારું! એવી લાગણી થઇ રહી છે.

જો કે તમે ધારો તો પોતાની માલિકીનો ઓક્સિજન પ્લાન્ટ તમારા ઘરમાં, સાવ નજીવા ખર્ચે લગાવી શકો છો, હા થોડી મહેનત અવશ્ય કરવી પડશે.

OXYGEN PLANT

વડોદરા વન વિભાગનો સામાજિક વનીકરણ વિભાગ પોતાના ઘરમાં પોતાના ઓક્સિજન  પ્લાન્ટની સ્થાપના કરવા માટે ઘરની છતની ખાલી જગ્યામાં પ્લાસ્ટિકના ડ્રમ્સ ની મદદ થી ૫, ૧૦ કે ૧૫ છોડવાઓ/ઝાડનો રૂફ ટોપ ગાર્ડન એટલે કે છત ઉદ્યાન ઉછેરવાની ભલામણ કરે છે, જે વિપુલ ઓક્સિજન આપવાની સાથે કુદરતી એસીની ગરજ સારશે અને ઘરને પ્રમાણમાં ઠંડુ રાખશે. હા, ઘરની છતની મજબૂતી પ્રમાણે છોડની સંખ્યા રાખવી જરૂરી છે.

ઘરના આંગણે લીલોતરીનો ઉછેર લગભગ સહુને ગમે છે. પરંતુ, માત્ર શહેરમાં નહિ પણ હવે તો ગામડાઓમાં પણ ઘરના વાડા કે આંગણા બચ્યા નથી. ત્યારે રૂફ ટોપ ગાર્ડન ઘરને લીલોતરીથી સમૃદ્ધ અને સુંદર કરવાનો સારો વિકલ્પ બની શકે છે.

રૂફ ટોપ ગાર્ડનમાં શાકભાજી, વેલા, ફૂલછોડ કે ફળાઉ વૃક્ષો ઉછેરી શકાય એવી જાણકારી આપતાં નાયબ વન સંરક્ષક શ્રી કાર્તિક મહારાજાએ જણાવ્યું કે, અમે વડોદરા મહાનગરપાલિકાના સહયોગથી, લોક માર્ગદર્શન માટેના મોડેલ રૂપે રાજીવ નગર એસ.ટી.પી.ના મકાનના બીજા માળની છત પર છત ઉદ્યાન ઉછેરી રહ્યાં છે. તાજેતરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં રાજ્યના શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ મોડેલ નિહાળ્યું હતું અને લીંબુનો છોડ વાવ્યો હતો.

શહેરના લોકો વધુ સહેલાઇથી આ વિભાવના સમજી અને અપનાવી શકે તે માટે સયાજીબાગમાં આવેલી અમારા વિભાગની નર્સરીમાં લગભગ ૨૫ ડ્રમ્સનું રૂફ ટોપ ગાર્ડન મોડેલ ઉછેરવાનું વિચાર્યું છે.

છત બગીચા માટે છતની મજબૂતાઇ પ્રમાણે કુંડાને બદલે ૨૫ થી ૨૦૦ લિટરના પ્લાસ્ટિકના ડ્રમ ઉપયોગમાં લેવાની ભલામણ છે. આ ડ્રમ્સમાં વર્મિકંપોસ્ટ અને માટી અથવા વજન હલકું રહે તે માટે કોકોપીટ ભરી તેમાં વિવિધ પ્રકારના ફૂલ છોડ, શાકભાજી, શતાવરી, ડોડી જીવંતિકા અને ગળોના વેલા કે સરગવો, જામફળ, ચીકુ, સીતાફળ જેવા ફળાઉ વૃક્ષો ઉછેરી શકાય.

હવે બાગાયતકારો એ વૃક્ષના કદ નાના રહે એવી ચીકુ, મોસંબી, દાડમ, લીંબૂ, નારંગી, સીતાફળ ઇત્યાદિની ડ્રાફ્ટ વરાયટી એટલે કે કદમાં વૃક્ષ વામન રહે એવી પ્રજાતિઓ વિકસાવી છે. ઓદુંબર, જાસૂદ, ચંપા, ચમેલી, પારિજાત, શેતુર, જામફળ, તુલસી, અશ્વગંધા, સર્પગંધા જેવું વિવિધતાસભર વાવેતર છત બગીચામાં થઈ શકે છે.

તેના કારણે પક્ષીઓ અને પતંગિયા ઘરના મહેમાન બને છે. ઘરની સુંદરતાને હરિયાળો ઓપ મળે છે. વાતાવરણ પ્રમાણમાં ઠંડુ રહે છે. અને પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપી શકાય છે. જેમાં છોડ વાવો એવા ડ્રમના તળિયે પાણીના નિતાર માટે બે ત્રણ કાણાં રાખવા અને નીતરતું પાણી ભેગું કરવા નાનું વાસણ રાખવાની ભલામણ કરવામાં આવે છે.

છત ઉદ્યાનની જેમ પોલીથીનની મોટા કદની કોથળીઓમાં મુખ્યત્વે શાકભાજી અને ફૂલ છોડનો ગની બેગ ગાર્ડન ઉછેરવાનો વિકલ્પ ઉપલબ્ધ છે.

કહેવત છે કે, મન હોય તો માળવે(અને હવે માંડવે) જવાય. તેને બદલીને કહી શકાય કે મન હોય તો બગીચો ઉછેરાય. અને તેનો શ્રેષ્ઠ વિકલ્પ આ રૂફ ટોપ ગાર્ડન એટલે કે છત ઉદ્યાન બની શકે છે. હા, છતની મજબૂતાઇ પ્રમાણે ડ્રમની સંખ્યા રાખવાની તકેદારી અવશ્ય લેવી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button