National

નર્મદા જિલ્લામાં સામાન્ય લક્ષણો ધરાવતા દરદીઓને ઘર આંગણે જ સમયસર સારવાર મળી રહે તે માટે જિલ્લા પ્રશાસન તરફથી આરોગ્યલક્ષી-જનસુખાકારીની થઇ રહેલી સઘન કામગીરી

રાજપીપલા,સોમવાર:-  કોવિડ-૧૯ ની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને કોરોનાના સંક્રમણને અટકાવવા માટે  જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહના માર્ગદર્શન અને સુચારૂં આયોજન અન્વયે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણાની રાહબરી હેઠળ જિલ્લામાં કોવિડ-૧૯ ના કેસોનું વહેલામાં વહેલી તકે નિદાન થાય  તેમજ સામાન્ય લક્ષણો ધરાવતા દરદીઓને ઘર આંગણે જ સમયસર સારવાર મળી રહે તે માટે જિલ્લાના આમલેથા, ઢોલાર, ભચરવાડા સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આશા બહેનો, આંગણવાડી કાર્યકર બહેનો, ફિમેલ હેલ્થ વર્કર બહેનો દ્વારા નાંદોદ તાલુકામાં-૧૪૨, ગરૂડેશ્વર-૧૧૨, તિલકવાડા-૧૦૩, દેડીયાપાડા-૨૧૪ અને સાગબારા તાલુકામાં-૧૨૦ સહિત જિલ્લાની કુલ-૬૯૧ જેટલી ટીમો થકી કોવિડ-૧૯ ની ડોર-ટુ-ડોર સર્વેલન્સની કામગીરી હાથ ધરાઇ છે. ડોર-ટુ-ડોર થઇ રહેલા સર્વેલન્સમાં તાવ, માથાનો દુખાવો, શરદી-ખાંસી જેવા લક્ષણો ધરાવતા દરદીઓને  તેમના ઘર આંગણે જ દવાઓ આપીને સારવાર કરવામાં આવી રહી છે

 

          ડોર-ટુ-ડોર સર્વેલન્સ દરમિયાન એઝીથ્રોમાયસીન, પેરાસીટામોલ, વીટામીન સી, ઝીંક સલ્ફેટ દવાઓ સાથે વિના મૂલ્યે માસ્કનું પણ વિતરણ કરાયું છે આ સર્વેલન્સમાં Pulse Oximeter અને  Thermal Gun નો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સર્વે દરમિયાન  જો SPO2, 95 ટકા કરતાં ઓછું આવે અથવા ગંભીર બિમારીવાળા દરદીઓ મળી આવે તો તેઓને તાલુકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે તાત્કાલિક  ધોરણે સારવાર અર્થે મોકલી આપવામાં આવે  છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો સવાર-સાંજ ઉપયોગ કરવો, લીંબુ સરબત તેમજ પ્રવાહીનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવો અને પ્રાણાયામ તેમજ યોગ નિયમિત કરવાની સાથે નોવેલ કોરોના સામે રક્ષણ મેળવવાં કોરોના વેક્સીન અવશ્ય મૂકાવવાં ઉપરાંત અવશ્ય માસ્ક પહેરવાં, વારંવાર સેનીટાઇઝેશન કરવાં અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાં તેમજ સરકારશ્રીની માર્ગદર્શિકાનું અવશ્ય પાલન કરવા પણ લોકોને સમજાવવામાં આવી રહયાં છે.

 

            અત્રે એ ઉલ્લેખનીય છે કે, જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં થઇ રહેલાં ડોર-ટુ-ડોર સર્વેલન્સ દરમિયાન આજદીન સુધી લક્ષણો ધરાવતા-૧૯ દરદીઓને રાજપીપલાની કોવિડ હોસ્પિટલ અને સામાન્ય લક્ષણો ધરાવતા ૧૬૬ જેટલા દરદીઓને સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને ૨૬૦ જેટલાં દરદીઓને રાજપીપલાના કોવિડ કેર સેન્ટરોમાં રિફર કરાયાં છે. તેની સાથોસાથ ૮૯,૫૦૨ જેટલી દવાની  કિટ્સનું પણ  વિતરણ કરાયું છે.   

 

             મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. કે.પી.પટેલે જણાવ્યું હતું કેજિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહના  માર્ગદર્શન હેઠળ કોરોના સંક્રમણને અટકાવવા માટે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ડોર-ટુ-ડોર સર્વેલન્સની ૬૯૧ જેટલી  ટીમો કાર્યરત છે. જેમાં સામાન્ય લક્ષણો ધરાવતા દરદીઓને તેમના ઘરે જ દવાની કિટ્સનું વિતરણ કરવામાં આવી રહ્યું  છે. વધારે લક્ષણો વાળા દરદીઓ મળી આવે તો તેને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રિફર કરવાનું કાર્ય કરી રહી છે. જિલ્લામાં ડોર-ટુ-ડોર સર્વેલન્સ થકી જ કોરોનાના કેસોનું પ્રમાણ ઘટી રહ્યું હોવાનું ડૉ. પટેલે ઉમેર્યું હતું.  

 

            નાંદોદ તાલુકાના આમલેથા ગામના રોહિત ફળીયાના રહીશ શ્રી  બકુલભાઇ ઇશ્વરભાઇ રોહિતે જણાવ્યું હતું કે, નોવેલ કોરોના મહામારીને અનુલક્ષીને ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી  આરોગ્યની ટીમ થકી કરવામાં આવી રહી છે, જેમાં તાવ, માથાનો દુખાવો, શરદી-ખાંસી જેવા સામાન્ય લક્ષણો ધરાવતા લોકોને સ્થળ પર જ દવાઓ પૂરી પાડવામાં આવતી હોવાથી અમને ઘર આંગણે જ સારી સુવિધા મળી રહી  છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button