National

ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે ગુજરાતના ૨૯ શહેરોમાં વધારાના નિયંત્રણો અંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો નિર્ણય

અગાઉ જે મહાનગરો સહિત ૨૦ શહેરોમાં કોરોના કરફ્યુ હતો તે ઉપરાંત હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળસોમનાથ સહિત કુલ ૨૯ શહેરોમાં રાત્રિના થી સવારના વાગ્યા સુધી કોરોના કરફ્યુ અને વધારાના નિયંત્રણો

.. .. .. ..

તા. ૨૮મી એપ્રિલથી તા. ૦૫મી મે સુધી નિયંત્રણો અમલી રહેશે

.. .. .. ..

નિયંત્રણો દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશેઃ અનાજકરિયાણાની દુકાન, શાકભાજી, ફળફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે

.. .. .. ..

૨૯ શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ

પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે

.. .. .. ..

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ભારત સરકારના ગૃહ મંત્રાલયની તા. ૨૬ એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે વધારાના નિયંત્રણો મૂકવાના મહત્વના નિર્ણયો કર્યા છે. અગાઉ જે ૮ મહાનગરો સહિત ૨૦ શહેરોમાં રાત્રિના ૮ થી સવારે ૬ વાગ્યા સુધી કરફ્યુ હતો તે ૨૦ શહેરો ઉપરાંત હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથ સહિત કુલ ૨૯ શહેરોમાં રાત્રિના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી કોરોના કરફ્યુ રહેશે. આ ૨૯ શહેરોમાં તા. ૨૮મી એપ્રિલ-૨૦૨૧ બુધવારથી તા. ૦૫મી મે-૨૦૨૧ બુધવાર સુધી વધારાના નિયંત્રણો મૂકવાનો રાજ્ય સરકારે નિર્ણય
કર્યો છે.

આ સમયગાળા દરમિયાન આવશ્યક સેવા/ પ્રવૃત્તિઓ જ ચાલુ રાખવાના રાજ્ય સરકારે આદેશો કર્યા છે. COVID-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવા તેમજ આવશ્યક/ તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ ચાલુ રહેશે. મેડીકલ, પેરામેડીકલ તથા તેને આનુષાંગિક  આરોગ્યલક્ષી સેવાઓ, ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા ચાલુ રહેશે.

સામાન્ય જનજીવનને કોઈ તકલીફ ન પડે અને રાબેતા મુજબનું જીવન જળવાઈ રહે તે હેતુથી રાજ્ય સરકારે ડેરી, દૂધ-શાકભાજી, ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડીલીવરી સેવાઓ ચાલુ રાખવાના આદેશો કર્યા છે. શાકભાજી માર્કેટ તથા ફ્રૂટ માર્કેટ ચાલુ રહેશે. કરિયાણું, બેકરી, બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઇન સેવાઓ, અનાજ તથા મસાલા દળવાની ઘંટી, ઘરગથ્થુ ટીફીન સર્વિસીસ અને હોટેલ / રેસ્ટોરન્ટની Take away facility આપતી સેવાઓ ચાલુ રહેશે.

ઈન્ટરનેટ/ટેલિફોન/મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર/ આઇ.ટી. અને આઇ.ટી. સંબંધિત સેવાઓ, પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મિડીયા, ન્યુઝ પેપર ડીસ્ટ્રીબ્યુશન, પેટ્રોલ, ડિઝલ, એલ.પી.જી. / સી.એન.જી./પી.એન.જી.ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ, પોર્ટ ઓફ લોડીંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્ટ્સ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ, પોસ્ટ અને કુરીયર સર્વિસ, ખાનગી સિક્યુરીટી સેવાઓ ચાલુ રહેશે.

આ ૨૯ શહેરોમાં પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ, કૃષિ કામગીરી, પેસ્ટ ક્ન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા, તમામ આવશ્યક ચીજ વસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ યથાવત રહેશે.

આંતરરાજ્ય, આંતરજિલ્લા અને આંતરશહેરની ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્ન ઈ-કોમર્સ સેવાઓ પણ ચાલુ રહેશે.

રાજ્યમાં ઉત્પાદન પ્રવૃત્તિ અને ઉદ્યોગો ચાલુ રહે તથા શ્રમિકોને કોઈ તકલીફ ન પડે તે હેતુથી તમામ પ્રકારના ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને તેને રો-મટીરીયલ પૂરો પાડતા એકમો ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે, તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

આ સમયગાળા દરમ્યાન એ.ટી.એમ.માં નાણાનો પુરવઠો સતત જળવાઇ રહે તે અંગે બેંક મેનેજમેન્ટે કાળજી લેવાની પણ સૂચનાઓ રાજ્ય સરકારે આપી છે.

આ સમયગાળા દરમિયાન તમામ આર્થિક/વ્યાપારીક પ્રવૃત્તિઓ જેવી કે દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, રેસ્ટોરન્ટ્સ (Take away Service સિવાય), તમામ લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, અઠવાડીક ગુજરી/બજાર/હાટ, શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, મનોરંજક સ્થળો, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર, જીમ, સ્વિમીંગ પુલ ઉપરાંત તમામ પ્રકારના Malls તથા Commercial Complexes  બંધ રહેશે.

તમામ માર્કેટીંગ યાર્ડ તથા તમામ માર્કેટ બંધ રહેશે. APMCમાં માત્ર શાકભાજી તથા ફળ-ફળાદીનું ખરીદ વેચાણ ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૫૦ (પચાસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે.

અંતિમક્રિયા/દફનવિધિ માટે મહત્તમ ૨૦ (વીસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે.

સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, Finance Tech સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેક્શન સેવાઓ, બેંકોના ક્લીયરીંગ હાઉસ, એ.ટી.એમ/સી.ડી.એમ. રીપેરર્સ, સ્ટોક એક્સચેન્જ, સ્ટોક બ્રોકરો, ઈન્સ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા ૫૦% સુધી સુનિશ્ચિત કરવાની રહેશે. આવશ્યક સેવાઓને આ જોગવાઇ લાગુ પડશે નહીં.

તમામ પ્રકારના રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, કાર્યક્રમો/મેળાવડાઓ સદંતર બંધ રહેશે.

પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટ્સ  સ્ટેડીયમ/સંકુલમાં પ્રેક્ષકો વગર રમત-ગમત  ચાલુ રાખી શકાશે.

તમામ ધાર્મિક સ્થાનો જાહેરજનતા માટે બંધ રહેશે. ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પૂજા/વિધી ધાર્મિક સ્થાનોના સંચાલકો/પૂજારીશ્રીઓ દ્વારા જ કરવાની રહેશે.

પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ ૫૦% પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે.

ગુજરાતમાં તમામ નાગરિકોને ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સિંગનું ચુસ્તપણે પાલન કરવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ પદે આજે સવારે ગૃહ વિભાગની તાકીદની બેઠક મળી હતી. આ બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, અધિક મુખ્ય સચિવ (ગૃહ) શ્રી પંકજકુમાર, પોલીસ મહાનિર્દેશક શ્રી આશિષ ભાટિયા, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. શ્રીમતી જયંતિ રવિ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિરેન ભટ્ટ/ભરત ગાંગાણી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button