National

ભાવનગરના નાગરિક અને રાજકોટ ઝૂઓલોજીકલ પાર્કમાં ક્યુરેટર તરીકે કાર્યરત ભાર્ગવ પ્રદ્યુમ્નભાઈ ભટ્ટનો હ્યદયના તાર ઝંકૃત કરી દેતો હ્યદયસ્પર્શી પત્ર

ભાવનગરના નાગરિક અને રાજકોટ ઝૂઓલોજીકલ પાર્કમાં ક્યુરેટર તરીકે કાર્યરત ભાર્ગવ પ્રદ્યુમ્નભાઈ ભટ્ટે
હ્યદયના તાર ઝંકૃત કરી દેતો હ્યદયસ્પર્શી પત્ર ગઇકાલે ફેસબુકના માધ્યમથી લખી સરકારી સિવિલ
હોસ્પિટલનો સાચો ફેસ (ચિતાર) રજૂ કરી પ્રાયવેટ હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલ વચ્ચેનો ચોખ્ખો ભેદ
“જાહેર આભાર” સાથે રજૂ કરી સાચું સમાજ દર્શન કરાવવાનું કાર્ય કર્યું છે. કોરોનાના સમયમાં આજે પોતાનું
સગું પણ પોતાની પડખે ઉભા રહેવા તૈયાર નથી તેવા સમયે ભાવનગરની સરકારી સિવિલ હોસ્પિટલ એવી
સર ટી. હોસ્પિટલે ભાર્ગવભાઇના પિતાશ્રી સ્વ. પ્રદ્યુમ્નભાઈ ભટ્ટની કરેલી સેવા-સુશ્રુષાને પોતાના શબ્દોમાં
ઢાળી સર ટી. હોસ્પિટલના ડો.ફિરદોશને ટાંકીને રજૂ કરેલી કેફિયત ભલભલાંની આંખમાંથી આંસુ લાવી દે
તેવી છે. ખાનગી હોસ્પિટલ દ્વારા તેમને પડેલી યાતના અને વેદના, તેમના મનમાં રહેલું સરકારી
સિવિલ હોસ્પિટલનું ચિત્ર, સરકારી હોસ્પિટલમાં ન દાખલ થવાં માટેના તેમના કારણો, ન છૂટકે સર ટી.
હોસ્પિટલમાં દાખલ થવાની સ્થિતિ, દાખલ થવામાં અને દાખલ થયા બાદ સરકારી સેવાનો તેમનો અનુભવ
વગેરે તેમના લાગણી નિતરતાં પત્રમાં જોવાં મળે છે. પોતાના પિતાને ન બચાવી શકવા છતાં સર ટી.
હોસ્પિટલની તેમની દાખલ થયાથી માંડીને તેમના અંતિમ સંસ્કાર સુધી એકપણ રૂપિયો લીધાં વગરની નિઃ
સ્વાર્થ સેવાને તેમણે જે શબ્દોથી માંજી છે. તેમની પિતાની અતૂટ સ્મૃતિઓ શબ્દેશબ્દે ડોકાયાં વગર રહેતી
નથી.

પોતાના પિતાને ન બચાવી શકવાં છતાં સરકારી સર ટી. હોસ્પિટલની સેવાને તેમણે આઘાતના સમયમાં
પણ શબ્દે કંડારી પોતે નગુણા ન હોવાનો પરિચય આપી સમાજને પણ તેમાંથી પ્રેરણા મળે તે માટે
ફેસબુકના માધ્યમથી તેમણે જાહેર આભારની લાગણી વ્યક્ત કરી છે. શ્રી ભાર્ગવભાઇની ફેસબુકની પોસ્ટ
એકપણ સુધારાં વગર અકબંધ નીચે મુજબ છે.
****
સર તખ્તસિંહજી સિવિલ હોસ્પિટલ, ભાવનગર
"જાહેર આભાર "
નત મસ્તક તમામ સ્ટાફ માટે,
મારા પિતાશ્રી. DrPradyumnrai V Bhatt ને તા.06-04-21 નાં રોજ રેપિડ ટેસ્ટમાં કોરોના પોઝિટિવ આવ્યો.12-
04-21 સવાર સુધી હોમ કેર પેકેજ લઇ સારવાર કરાવી પરંતુ ઓક્સિજનનું પ્રમાણ ઘટતાં ભાવનગર નજીક
અકવાડા ની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા. રૂ.10,000/- લઈ ઑક્સિજન બેડ આપ્યો. એડમિશન
પહેલાં વેન્ટિલેટર અને આઇસીયુ નાં આંબા આંબલી બતાવ્યા પરંતુ વાસ્તવિકતામાં એક સારું યુરીન પોટ
પણ આપી ન શક્યાં. ખાનગી હોસ્પિટલના ડૉકટર શિયાળને પણ શરમાવે એવા લુચ્ચા નીકળ્યા. પૈસાની
અતિશય ભૂખ ધરાવતો અને ડૉકટરના નામે કલંક સ્વરૂપ નીકળ્યો. ઑક્સિજનની સગવડ માત્ર આપી પછી
રાતના 12 વાગ્યા સુધી ડૉકટર, નર્સ કે કોઈ સ્ટાફ દર્દીની પાસે ફરક્યા જ નહિ. માત્ર એક જ વાત હતી,
10,000/- ડિપોઝિટ ભરી છે બાકીની રૂ.20,000/- ડિપોઝિટ પેટે ભરી દો. સાચા શબ્દોમાં કહું તો અમે
ખાનગી હોસ્પિટલની ચુંગાલમાં ભરાઈ પડ્યા. ( તમામ ખાનગી હોસ્પિટલમાં આવું જ હોય એ પણ જરૂરી
નથી.)
અન્ય તમામ જગાએ તપાસ કરી પણ બેડ ન મળ્યો. પરિવારને પહેલા સિવિલ હોસ્પિટલ
ભાવનગરમાં જવાનો વિચાર આવેલો પરંતુ મનમાં સિવિલ માટે અમારો અને કુટુંબીજનોનો પૂર્વગ્રહ હતો કે
સાવ અણઘડ વહીવટ હશે, કોઈ દર્દી પર ધ્યાન અપાતું નહિ હોય, સરકારી રાહે કામ થતું હશે.દર્દીઓ
ભગવાન ભરોસે હશે. તેમ છતાં ક્યાંય બેડ ઉપલબ્ધ ન હોય અમે કચવાતા મને સિવિલને શરણે જવાનું
નક્કી કર્યું.
તા.12-04-21 નાં રોજ રાત્રીનાં 12 વાગ્યે 108 ઇમરજન્સી બોલાવી sheetal Makwana Bhatt પપ્પા સાથે
સિવિલમાં ટ્રોમા સેન્ટરમાં આવ્યા. હુંઅને મોટાભાઈ Hitesh Bhatt ૧૦૮ની પાછળ પાછળ પરંતુ ગેટ પરથી જ
તંત્ર કડક!!!! સ્પષ્ટ સૂચના – દર્દી સાથે માત્ર એક જ વ્યક્તિ રહેશે. બાકીનાં બધાં બહાર રહો તો પણ મારી
વિનંતી ને સ્વીકારી મને પ્રવેશ આપ્યો એટલે હું અને Sheetal Makwana Bhatt બેયને પ્રવેશ મળ્યો.
ટ્રોમા સેન્ટરમાં જતાં જ આખું ટ્રોમા સેન્ટર દર્દીઓથી ખીચોખીચ ભરેલું. જ્યાં હોય ત્યાં સ્ટ્રેચર પર
ઑક્સિજન લગાવેલાં દર્દીઓ, એક ખૂણામાં સ્ટ્રેચર પર બે ત્રણ લાશ પેક કરેલી પડેલી. PPE kit માં ડૉકટર અને
અન્ય સ્ટાફની સતત દોડાદોડી. સિક્યુરિટી ગાર્ડ સતત વ્યવસ્થા જાળવવા માટે દૂર ખસી, એકબાજુ ઊભા રહો
ની કડક સૂચના આપે, પટ્ટાવાળા નાં પગમાં પૈડાં લગાવેલાં હોય એમ દોડાદોડી કરે. ભયાવહ દૃશ્ય. કોરોના
સ્વરૂપ રક્તબીજ દ્વારા સર્જાયેલ મોતનું તાંડવ નજરોનજર અનુભવ્યું. સાથે PPE Kit માં દેવી – દેવતાઓને
રક્તબીજ સામે હિંમતપૂર્વક લડતાં જોયાં.
પપ્પાને 108 માંથી સ્ટ્રેચર પર લીધાં. તરત જ ઓકસીજન સિલિન્ડર સાથે એક વ્યક્તિ તૈયાર જ
હતા. ઓકસીજન લગાવી દીધો. સ્ટ્રેચરની લાઈનમાં અમે જોડાઈ ગયા. રેસીડેન્ટ ડૉકટર અને નર્સ PPE કીટ
માં પરસેવાની ધાર સાથે કામ કરતા જોયાં. મને કહ્યું કેસ કઢાવો. રાત્રે 12.30 વાગ્યે પણ કેસ બારી
ધમધમતી હતી. સિસ્ટર વારે વારે આવીને બાપુજીનું ઓકસીજન લેવલ અને હેલ્થ ચેક અપ કરી જાય.

ડૉકટર બોલાવીને મેડિકલ હિસ્ટરી જાણે અને અન્ય ડોકટરને જણાવે. જરૂરી ટેસ્ટ થયેલ છે કે કેમ તેનાં
રિપોર્ટ ચકાસે. સરવાળે નક્કી થયું કે કેન્સર કેરમાં ત્રીજા માળે પુરુષ વિભાગમાં પપ્પાને રાત્રીનાં 2.00 વાગ્યે
બેડ આપવામાં આવે છે. સરકારી હોસ્પિટલની જ એમ્બ્યુલન્સ મારફત ટ્રોમા સેન્ટર થી કેન્સર કેર બિલ્ડિંગ
માં મોકલ્યાં. ભગવાનનો ખૂબ ખૂબ આભાર માન્યો સાથે રેસી. ડોક્ટર્સ અને નર્સનો પણ હાથ જોડીને
ધન્યવાદ માન્યો.
પપ્પાને સરકારી હોસ્પિટલની વ્યવસ્થાઓ પર વિશ્વાસ સાથે સોંપ્યા. અત્યાર સુધીની વ્યવસ્થાએ
અમારો 70% ભ્રમ ભાંગી નાખ્યો. બીજે દિવસે સવારે ચા પાણી દેવા માટે ગયા તો સુરક્ષાગાર્ડ એ મળવા
માટે અટકાવ્યા. થોડીવાર ગમ્યું નહિ પરંતુ ગાર્ડ નાં સરળ સ્વભાવ. મીઠી જબાન અને સેવાભાવી કાર્યએ
અમોને નતમસ્તક કરી દીધાં. સતત દર્દીઓનાં સગાઓ અલગ અલગ વસ્તુ પહોંચાડવા વિનંતી કરે અને
હસતા મોઢે વસ્તુ પહોંચાડે અને દર્દી પાસેની વસ્તુઓ પરત પણ લેતાં આવે. દર્દીની પાસે જવા ન દે ત્યારે
આ સેવા અમને આશીર્વાદરૂપ લાગી. કોઈ કોઈ વાર દર્દીના સમાચાર પૂછીએ તો આંખે દેખ્યો સાચો
અહેવાલ ઝીણવટપૂર્વકનાં નિરીક્ષણનો આપે અને સાથે હિંમત પણ આપે કે સાજા થઈ જશે. ચિંતા ન કરશો.
મારા પિતાજીને એન્ડ્રોઇડ ફોન આપેલો. શરૂઆતનાં દિવસોમાં જાતે તેઓ ફોન કરી શકતા. વિડિયો
કોલમાં વાત કરી શકતાં પરંતુ જેમ જેમ દિવસો જતાં ગયા, તબિયત સુધારા પર આવે વળી પાછી થોડી
બગડે, ઓક્સિજન લેવલ ઉપર નીચે થાય. Bronchitis ની પહેલેથી તકલીફ થોડી હતી જ એટલે થોડો શ્વાસ
રહેતો. નબળાઈ વધુ લાગે તો સિસ્ટર્સ પ્રેમથી પાણી પીવરાવે, સાથી કર્મચારીઓ સંડાસ- બાથરૂમ માટે લઈ
જાય. દર્દીને પ્રેમથી જમાડે અને એ સમયે અમને પપ્પાના ફોનમાંથી વિડિયો કોલ કરે. ડોક્ટર્સ રાઉન્ડમાં
હોય અને એ જ સમયે અમારો કોલ જાય તો શું ટ્રીટમેન્ટ ચાલે છે અને શરીર કેટલો પ્રતિભાવ આપે છે એ
પણ અમને જણાવે. કોવિડ કન્ટ્રોલ દ્વારા પણ પ્રશ્નોની નોંધ કરાવીને જરૂરી તપાસ કરી, આપેલા નંબર પર
દર્દીના સગાને દર્દીની પરિસ્થિતિની સાચી માહિતી આપે.
પપ્પાને રામનવમીના દિવસે ચા ને બદલે ચીકુ શેક પીવાની ઈચ્છા હતી. સેવાભાવી નર્સે પોતાના
ખર્ચે એ મંગાવી એમની ઇચ્છાપૂર્તિ કરી. અમને આ વાત covid control room દ્વારા જાણવા મળી.
રામનવમીના દિવસે બપોર પછીથી પપ્પાની તબિયત ઘણી લથડી. તુરંત જ Bipap મશીન પર લીધાં. સ્ટાફ
અને ડોક્ટર્સ દ્વારા બે થી ત્રણ કલાક ભારે જહેમત ઉઠાવી. પરંતુ પપ્પાના શરીરે જરૂરી રિસ્પોન્સ ન આપ્યો.
ફેફસાં કામ કરતા બંધ થયાં. રાત્રે 8.30 વાગ્યે પપ્પાએ અનંતની વાટ પકડી. Covid control દ્વારા અમોને
જાણ કરવામાં આવી. તુરંત જ હું, મોટાભાઈ Hitesh Bhatt અને sheetal Bhatt કેન્સર કેર વિભાગમાં પહોંચ્યા.
ત્યાંના ડોકટરે પોતે આવીને અમને જાણ કરી તમામ સરકારી કામગીરી, કાગળો તૈયાર કરવામાં સમય
લાગશે અને ડેડબોડી પરિવારને સોંપવામાં આવશે નહીં પરંતુ અત્યારે કોલ્ડ સ્ટોરેજ માં રાખી સવારે વિશ્વ
હિન્દુ પરિષદ, ભાવનગર શાખાની વ્યવસ્થા મારફત અંતિમવિધિ કરી શકશો. તેવી માહિતી સ્પષ્ટ શબ્દોમાં,
દિલાસા સાથે, ધીરજ રાખજો એમ જણાવી આપી. રાત્રીનાં દોઢ વાગ્યે કોલ્ડ સ્ટોરેજમાં પપ્પાના દેહને
સાચવીને અમે ભારે હૈયે નીકળ્યાં.
તા.22-04-21 નાં સવારે 6.00 વાગ્યે વિશ્વ હિન્દુ પરિષદના સેવકશ્રી હરેશભાઈ સિહોરા આવ્યા.
અમો બે ભાઈઓને મફતમાં PPE kit પહેરાવી, પરિવારનાં અન્ય સભ્યોને અંતિમ દર્શન કરાવ્યાં, શબવાહિની
મારફત ચિત્રા સ્મશાનગૃહ ખાતે મોકલ્યા. વિશ્વ હિન્દુ પરિષદના સ્વયં સેવકોએ અગાઉથી ગોઠવેલ ચિતામાં
હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પિતાજીનો દેહ પંચમહાભૂત માં વિલિન થયો. "ધન્ય છે તમામની કર્તવ્ય
પરાયણતાને"

ખાસ નોંધ:- તા.૧૨-૦૪-૨૧ થી તા૨૧-૦૪-૨૧, રામનવમી નાં દિવસ સુધીની તમામ ટ્રીટમેન્ટ થી શરૂ કરી,
સ્મશાનગૃહ પહોંચવા સુધીનો તમામ ખર્ચ સર ટી. હોસ્પિટલ, ભાવનગરે ઉઠાવ્યો.
સર ટી. હોસ્પિટલ, ભાવનગર ના તમામ મેનેજમેન્ટ સ્ટાફ, તમામ ડોક્ટર્સ, નર્સ, બ્રધર, સુરક્ષા ગાર્ડ,
પટ્ટાવાળા, સફાઈ કામદાર તેમજ સર્વે સ્ટાફનો આભાર સહ સાષ્ટાંગ દંડવત્ નમસ્કાર. સો સો સલામ.
” ધન્ય છે આપ સહુની સેવા પરાયણતાને”
– ભાર્ગવ પ્રદ્યુમ્નભાઈ ભટ્ટ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button