National

ભૂલથી પણ કોઇ ગામ લોકો ગામના ઓટલે ન બેસે તે માટે ઓઇલ રેડવાનો નવતર અભિગમ અપનાવી કડક લોકડાઉન અપનાવ્યું

માહિતી કચેરી,ભાવનગર

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના પ્રેરણા અને
માર્ગદર્શનથી ગુજરાત સ્થાપના દિવસ ૧ લી મે થી સમગ્ર ગુજરાતના તમામ ગામોમાં ‘મારું ગામ-
કોરોનામુક્ત ગામ’ અભિયાન વ્યાપક ગ્રામીણ જનભાગીદારીથી શરું થયું છે.

કોરોના સંક્રમણની આ વિકટ સ્થિતિમાં ગામડાંઓમાં કોરોના સંક્રમણ વધે નહીં તેમજ ગામોમાં
વસતાં નાગરિકો, પરિવારો કોરોનાથી મુકત અને સ્વસ્થ રહે તે માટે આ અભિયાન રાજ્યભરમાં એક
પખવાડિયા દરમ્યાન લોકભાગીદારીથી હાથ ધરવામાં આવ્યું છે.
જે અન્વયે ભાવનગર જિલ્લાની ૬૬૭ ગ્રામ પંચાયત વિસ્તારમાં ૮૨૦૦ જેટલાં બેડની વ્યવસ્થા
કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે અન્વયે ગ્રામ સમાજ વાડી, આંગણવાડી તેમજ પ્રાથમિક
શાળામાં કોરોનાની સારવાર માટેના બેડ ઉભા કરવામાં આવનાર છે.
ભાવનગર જિલ્લાના ગામ શામપરા (ખોડિયાર) ગામે ‘મારું ગામ- કોરોના મુક્ત ગામ’ અભિયાનને
ઝીલીને કોરોનાને ગામમાંથી નેસ્તોનાબૂદ કરવાનું બીડું ઝડપ્યું છે. આ માટે ગામમાં જ ટ્રુ શેપ પ્રિસિઝન
કાસ્ટિંગ પ્રાઇવેટ કંપનીના સહયોગથી ગામની જ પ્રાથમિક શાળામાં જ કોરોના માટેની સારવાર તથા
આઇસોલેશન માટેની ૧૦ બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે.
ગામના સરપંચ શ્રીમતી ભાવનાબેન ગોહિલ કહે છે કે, ગામની બહાર આવેલી પ્રાથમિક શાળા
ગામની બહાર અને કુદરતી વાતાવરણ વચ્ચે આવેલી છે. તેથી કોરોનાના દર્દીઓને સાજા થવાં માટેનું સારું
વાતાવરણ મળશે. જેથી તેમની રિકવરી પણ ઝડપથી થઇ શકશે.
તેઓ કહે છે કે, એક સમય એવો હતો કે, કોરોનાના ડરને કારણે કોરોનાનો દર્દી કે દર્દીના ઘરના
લોકો પણ બોલવાં તૈયાર નહોંતા કે, મને કે મારા ઘરમાં કોરોનાનો કેસ છે. પરંતુ આ સુવિધા ઉભી થવાથી
હવે લોકો સામેથી તેમાં ભરતી થવાં આવે છે. હાલમાં આ આઇસોલેશનની સુવિધામાં ૩ દર્દીઓ જ છે અને
તેમને પણ ઝડપથી રિકવરી આવી જતાં અમારું ગામ કોરોના મુક્ત ગામ બની જશે.
આ કેવી રીતે શક્ય બન્યું તેનાં વિશે તેમણે જણાવ્યું કે, શામપરાં ગામમાં પણ કોરોનાના કેસ વધતાં
તાત્કાલિક સ્થિતિ સંભાળવાં માટે ગામમાં સ્વયંભૂ લોકડાઉન કરવામાં આવ્યું હતું. ગામમાં માત્ર બે જ
કરિયાણાની દૂકાન આવેલી છે અને તે બંન્ને દૂકાન પણ સવારેઃ ૬-૦૦ કલાક થી બપોરના ૧૨-૦૦ વાગ્યાં
સુધી જ ખુલ્લી રાખવામાં આવે છે. જે ગામ લોકોને ખરીદી કરવી હોય તે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન
કરીને આ સમયગાળામાં જ ખરીદી કરી શકે છે.
શ્રી ભાવનાબેન કહે છે કે, ગામમાં પહેલીથી જ તમાકુ પર પ્રતિબંધ રાખ્યો હોવાથી ગામમાં એકપણ
ગલ્લો નથી. જેથી લોકો બિનજરૂરી રીતે ટોળટપ્પા કરવાં માટે એકઠાં થાય નહીં.
આ ઉપરાંત ગામમાં કે જ્યાં ઓટલાં છે તેના પર ઓઇલ ઢોળી દેવામાં આવ્યું છે કે જેથી તેના પર
કોઇને બેસવું હોય તો પણ બેસી શકાય નહીં. બેસે તો તેના પણ તેમના કપડાં બગડે તેથી કોઇ તેના પર
બેસતું જ નથી.

ગામથી બહાર જવાં માટે ગામની બે રીક્ષાઓની સગવડ કરવામાં આવી છે. ગામના તમામ લોકો
આ રીક્ષાનો જ ઉપયોગ કરે છે. જેથી બહારના અન્ય સાધનમાં બેસવાનું થાય નહીં અને ગામના લોકોને
કોરોનાનો ચેપ લાગે નહીં.
ગામના લોકોની આરોગ્ય ચકાસણી માટે ગામમાં જ આરોગ્ય વિભાગના ધન્વન્તરી રથ દ્વારા તપાસ
કરવામાં આવે છે જેથી ગામના લોકોને તપાસ કરાવવાં માટે બહાર જવું ન પડે અને ગામના લોકો અન્ય
કોરોનાગ્રસ્ત લોકોના સંપર્કમાં આવતાં બચે. આ સિવાય આરોગ્ય વિભાગના સહકારથી રોગપ્રતિકારક શક્તિ
વધારતા ઉકાળાના વિતરણ સહિતની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.
આમ, શક્ય તમામ રસ્તાઓ કે જેના દ્વારા કોરોના ફેલાવાની શક્યતા છે, તે તમામની નાકાબંધી
કરીને ગામમાં કોરોનાનું સંક્રમણ થાય જ નહીં તે માટેના અગમચેતીના પગલાં લેવામાં આવ્યાં છે. જેથી
અમારા ગામમાં કોરોના પોતાનો કહેર વર્તાવી શક્યો નથી. અને બાકી વધેલાં ત્રણ કેસ સાજા થઇ જતાં
અમારું ગામ કોરોના મુક્ત બની જશે.
ગામમાં આ સગવડ ઉભી કરનાર ટ્રેુ શેપ પ્રિશિઝન કંપનીના એચ.આર. મેનેજરશ્રી શબનમ કપાસી
કહે છે કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના નાગરિકોને કોરોના વાયરસના સંક્રમણથી બચાવવા માટે
શરૂ કરેલા અભિયાન “મારું ગામ- કોરોના મુક્ત ગામ” અભિયાનને ટેકો આપતાં અમારી કંપની દ્વારા
સામાજિક દાયિત્વના ભાગરૂપે ગામના સરપંચશ્રી સાથે મસલત કરી શામપરા (ખોડિયાર) ગામમાં ૧૦ બેડ
જેમાંથી પ બેડમાં ઓક્સિજનની સુવિધાથી સજ્જ કોરોનાના સારવારનું સેન્ટર ઉભું કર્યું છે.
અમારી કંપનીએ માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ નથી પુરું પાડ્યું પણ અમારી કંપનીના માલિકની દિકરી ડો.
શબીના કપાસી કે જે પોતે એમ.બી.બી.એસ. ડોક્ટર છે. તે પણ આ સેન્ટરમાં દર્દીઓને ડોક્ટર તરીકેની સેવા
પૂરી પાડે છે. આ સિવાય ગામના એક ડો. દિનેશ મકવાણા પણ પોતાની સેવાઓ આ સેન્ટર પર આપે છે.
આ ઉપરાંત ભોજપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ઉંડવી સામૂહિક કેન્દ્રના તબીબી તથા પેરા
મેડિકલ સ્ટાફ દ્વારા પણ તમામ તબીબી સારવાર-સુશ્રુષા પૂરી પાડવામાં આવે છે.
આ સેન્ટરમાં દાખલ ગામના જ કોરોનાના દર્દી મહિપાલસિંહ કહે છે કે, અમારાં ગામમાં આવેલાં
ધન્વન્તરી રથ પર મેં ટેસ્ટ કરાવ્યો હતો. આ ટેસ્ટ પોઝિટિવ આવતાં મારા ગામમાં જ ઉભી કરવામાં આવેલાં
આ સેન્ટર પર જ દાખલ છું. અત્યારે મને સારું છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ‘મારું ગામ- કોરોના
મુક્ત ગામ’નું જે અભિયાન ઉપાડ્યું છે તેના કારણે મને મારાં ગામમાં જ કોરોનાની સારવાર મળી ગઇ નહીં
તો ન જાણે ક્યાં ક્યાં દાખલ થવાં માટે ભટકવું પડ્યું હોત…. રાજ્ય સરકારનું આ અભિયાન અમારાં જેવા
નાના ગામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ ગ્રામજનોને પોતાના ગામમાં કોરોનાના અતિ સામાન્ય લક્ષણો ધરાવતાં વ્યક્તિઓને
કોવિડ કેર સેન્ટર ગ્રામ્યસ્તરે શરૂ કરી ત્યાં સારવાર-આઇસોલેશન માટે ગામે-ગામ લોકભાગીદારીથી
કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ શરૂ કરવાનું આહવાન કર્યુ હતું તેને પગલે સ્થાનિક વહીવટીતંત્રના સહયોગથી

દરેક ગામમાં એક સમયે વધી ગયેલ કોરોના સંક્રમણને અટકાવીને વર્તમાનમાં કોરોનાથી મુક્ત બનવાનો
માર્ગ પ્રશસ્ત થયો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button