National

યુપી સરકારે કહ્યું- લોકડાઉન લગાડવું યોગ્ય નથી

કોરોનાના વધતા જતા સંકટને લઈને ઉત્તર પ્રદેશમાં વીકેન્ડ લોકડાઉનની જાહેરાત કરવામાાં આવી છે. યોગી સરકારે હવે સમગ્ર પ્રદેશમાં શનિવાર અને રવિવારે લોકડાઉન રહેશે તેવા આદેશ બહાર પાડ્યા છે. તો જે જિલ્લાઓમાં 500થી વધુ એક્ટિવ કેસ છે ત્યાં નાઈટ કર્ફ્યૂ લગાડવાનું એલાન કર્યું છે. જો કે લખનઉ સહિત ઉત્તર પ્રદેશના 5 શહેરોમાં સંપૂર્ણ લોકડાઉન નહીં લાગે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર રોક લગાવી દિધી છે. સોમવારે જ અલ્હાબાદ હાઈકોર્ટે લખનઉ, કાનપુર, વારાણસી, પ્રયાગરાજ અને ગોરખપુરમાં 26 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન લગાડવાના આદેશ આપ્યા હતા. જેના વિરૂદ્ધ યોગી સરકારે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી.

આ વચ્ચે એક વખત ફરીથી યોગી સરકારે સમગ્ર રાજ્યમાં વીકલી લોકડાઉન લગાડવાનો નિર્ણય લીધો છે. એટલે કે હવે દર શનિવાર અને રવિવારે પ્રદેશમાં બધું જ બંધ રહેશે. માત્ર ઈમરજન્સી સુવિધાઓ જ ચાલુ રહેશે. અત્યાર સુધી માત્ર રવિવારે જ લોકડાઉન હતું.

યુપી સરકારે કહ્યું- લોકડાઉન લગાડવું યોગ્ય નથી
યુપી સરકાર તરફથી દલીલ કરી રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે રાજ્ય સરકારે અનેક પગલાંઓ ભર્યા છે. અમને કેટલાંક નિર્દેશ મળ્યા છે અને અમને તેના પર આપત્તિ પણ નથી, પરંતુ કોઈ જ્યૂડિશિયલ ઓર્ડરથી 5 શહેરોમાં લોકડાઉન લગાડવું યોગ્ય નહીં હોય.

આ મુદ્દે ચીફ જસ્ટિસે કહ્યું કે હાઈકોર્ટે પણ કમ્પ્લીટ લોકડાઉન અંગે નથી કહ્યું. આ પ્રકારના લોકડાઉનથી પ્રશાસનિક મુશ્કેલીઓ પડી શકે છે. આવી સ્થિતિમાં હાઈકોર્ટના નિર્ણય પર અંતરિમ રોક રહેશે. જો કે યુપી સરકારે એક સપ્તાહની અંદર હાઈકોર્ટને તે જણાવવું પડશે કે તેઓ શું યોગ્ય પગલાં ભરી રહ્યાં છે.

સોમવારે 28 હજારથી વધુ કેસ સામે આવ્યા
યુપીમાં કોરોનાની બીજી લહેર બેકાબુ બની રહી છે. દરરોજ નવા સંક્રમિતોની સાથે મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. સોમવારે પ્રદેશમાં 28,211 નવા સંક્રમિતોની ઓળખ થઈ અને 167 લોકો મોતને ભેટ્યા.

તો મંગળવાર સવારે ઉત્તર પ્રદેશ કો-ઓપરેટિવ યુનિયનના અધ્યક્ષ હનુમાન મિશ્ર (રાજ્યમંત્રી દરજ્જો પ્રાપ્ત)નું લખનઉના PGIમાં નિધન થઈ ગયું, તેઓ કોરોના પોઝિટિવ હતા. મળતી માહિતી મુજબ સારવાર દરમિયાન તેમની કિડની ફેલ થઈ ગઈ હતી. જો કે PGIએ હજુ પોતાનું સત્તાવાર નિવેદન જાહેર નથી કર્યું. હનુમાન મિશ્ર કાનપુર-બુંદેલખંડ ક્ષેત્રના મહામંત્રી, વિદ્યાર્થી પરિષદના પ્રદેશ મંત્રી પણ રહી ચુક્યા છે. તો આ પહેલાં સહારનપુરમાં ભાજપના નેતા તેમજ પૂર્વ સાંસદ જગદીશ રાણાનું સોમવારે રાત્રે કોરોનાથી મોત નિપજ્યું. તેઓ 67 વર્ષના હતા અને છેલ્લાં 12 દિવસથી તેમનો ફરીદાબાદની એક હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો હતો. રાણા ત્રણ વખત મુઝફ્ફરાબાદ સીટ પરથી ધારાસભ્ય રહ્યાં છે અને 2009માં બસપાની ટિકિટ પર સહારનપુરમાંથી સાંસદ બન્યા હતા. 2016માં તેઓ ભાજપમાં સામેલ થયા હતા.

લખનઉ સહિત 5 રાજ્યોમાં લોકડાઉનના આદેશ આપ્યા હતા​​​​​​​
ઉત્તરપ્રદેશ કોરોનાના વધતા કેસને લઈને અલ્હાબાદ હાઈકોર્ટે સોમવારે વીડિયો-કોન્ફરન્સિંગથી સુનાવણી કરી હતી. આ દરમિયાન જસ્ટિસ સિદ્ધાર્થ વર્મા અને જસ્ટિસ અજીત કુમારની ડિવિઝન બેંચે પ્રદેશના સૌથી વધુ કોવિડ-19 પ્રભાવિત આ 5 શહેરો જેવા કે પ્રયાગરાજ, લખનઉ, વારાણસી, કાનપુર અને ગોરખપુરમાં 26 એપ્રિલ સુધી લોકડાઉન લગાડવાના આદેશ આપ્યા હતા. આ પહેલાં પણ કોર્ટે યુપી સરકારને લોકડાઉનની ભલામણ કરી હતી. જે બાદ જ યુપી સરકારે પ્રદેશના અનેક જિલ્લાઓમાં નાઈટ કફર્યૂ લગાવ્યો હતો.

દિલ્હીમાં 26 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન​​​​​​​
કોરોનાવાયરસના વધતા જતા જોખમ દિલ્હીમાં ફરી એકવાર લોકડાઉન લગાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું છે કે, દિલ્હીમાં 26 એપ્રિલ સવારે 6 વાગ્યા સુધીમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે.

દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાની બેકાબૂ ગતિ વચ્ચે લોકડાઉન લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાજયપાલ અનિલ બૈજલ અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હીમાં સોમવારે રાત્રે 10 વાગ્યાથી 26 એપ્રિલની સવાર સુધી લોકડાઉન લાગુ રહેશે. આ દરમિયાન જરૂર વિના બહાર નીકળવાનું પ્રતિબંધિત રહેશે અને વીક એન્ડ લોકડાઉન જેવા પ્રતિબંધો હશે.

કેજરીવાલે કહ્યું, દિલ્હીમાં લોકડાઉન કરવું ખૂબ જ જરૂરી
અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે દિલ્હીમાં દરરોજ લગભગ 25 હજાર કેસ નોંધાઈ રહ્યા છે, દિલ્હીમાં બેડની ભારે અછત છે. દિલ્હીમાં હોસ્પિટલોમાં દવાઓ ઉપલબ્ધ નથી, ઓક્સિજન નથી. દિલ્હીની આરોગ્ય વ્યવસ્થા વધુ દર્દીઓ સંભાળી શકે એમ નથી, તેથી લોકડાઉન કરવું ખૂબ જ જરૂરી છે.

રાજસ્થાનમાં પણ 3 મે સુધી લોકડાઉન​​​​​​​
રાજસ્થાનમાં 24 કલાકમાં રેકોર્ડ 10,000 દર્દી મળ્યા, જે બાદ સરકારે અડધી રાત્રે સમગ્ર પ્રદેશમાં 15 દિવસનું લોકડાઉન લાગુ કરી દિધું છે. 3 મે સુધી પ્રદેશમાં જરૂરી સેવાઓને છોડીને બધું જ બંધ રહેશે. અફરાતફરીમાં લેવામાં આવેલા નિર્ણયથી અનેક લોકોનાં મહત્ત્વનાં કામ અટકી ગયાં છે, કેમ કે સરકારે શનિવાર-રવિવારનું વીકેન્ડ લોકડાઉન કર્યું હતું. ત્યારે સમય આપ્યા વગર જ આટલું મોટું લોકડાઉન લગાડવાથી લોકોનાં કેટલાંક કામો અટકી પડ્યાં છે, જોકે જરૂરી સેવાએ અને જરૂરી સામાનની આપૂર્તિ થતી રહેશે.

નવી ગાઇડલાઈન્સ મુજબ, ખાવા-પીવાનો સામાન. દૂધ ડેરી, કરિયાણાનો સામાન, બજાર, ફળ, શાકબાજી, ડેરી અને પશુચારા સંબંધિત રિટેલ અને હોલસેલની દુકાનો સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. તેમણે હોમ ડિલિવરી કરવા પર પ્રાથમિકતા આપવી પડશે. વિશેષ પરિસ્થિતિઓમાં જ સામાન દુકાનમાંથી વેચી શકશે.

ફેરી લગાવીને સાંજે 7 વાગ્યા સુધી જ ફળ-શાકભાજી વેચી શકાશે. પેટ્રોલ પંપ રાત્રે 8 વાગ્યા સુધી જ ખુલ્લા રહેશે. સાર્વજનિક પરિવહન સેવાઓ યથાવત્ રહેશે. રાશનની સરકારી દુકાનો સાતેય દિવસ ખુલ્લી રહેશે. જરૂરી સેવાઓ સાથે જોડાયેલા વિભાગોને છોડીને તમામ સરકારી કાર્યાલયો બંધ રહેશે. કારખાનાં, તમામ પ્રકારના મેન્યુફેક્ચરિંગ યુનિટમાં કામ યથાવત્ રહેશે. ગામડાંમાં મનરેગાનું કામ યથાવત્ રહેશે. નરેગા શ્રમિકોને યોગ્ય રીતે રોજગારી મળતી રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button