National

રાજકોટની કુંદન હોસ્પિ.માં ઓક્સિજનના અભાવે બે દર્દીએ દમ તોડ્યાનો પરિવારનો આક્ષેપ, લાશ સ્વીકારવાનો ઇન્કાર, ડોક્ટરે કહ્યું- સ્થિતિ ગંભીર હતી

રાજકોટમાં ઓક્સિજન અંતના આરે છે. ગઇકાલે પરમ હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો ખૂટી જવાના આરે હતો ત્યારે રહી રહીને તંત્ર જાગ્યુ હતું અને 15 બાટલા મોકલતા ઓક્સિજન પર રહેલા 30 દર્દીના જીવ બચી ગયા હતા. ત્યારે ગત રાત્રે કુંદન કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે બે દર્દીએ દમ તોડી દીધાનો પરિવારે આક્ષેપ કર્યો છે. પરંતુ હોસ્પિટલના ડોક્ટરે પોતાના બચાવમાં જણાવ્યું હતું કે, દર્દીની પરિસ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુ થયું છે. પરિવારજનો લાશ સ્વીકારવા ઇન્કાર કરી રહ્યાં છે.

હોસ્પિટલમાં તબિયત અંગે કોઇ સમાચાર આપવામાં આવતા નથી
મૃતક દર્દીના સગાઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કુંદન હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કર્યા પછી તેની તબિયત અંગે કોઇ સમાચાર આપવામાં આવતા નથી. વહેલી સવારે 4 વાગ્યાથી ડોક્ટરો દર્દીના સગાને ઓક્સિજન માટે દોડાવી રહ્યાં છે. સગાને દર્દી વિશે કોઇ જાણકારી નહીં આપતા પરિવારજનો મુશ્કેલીમાં મૂકાયા છે. તેમજ હોસ્પિટલમાં દર્દીઓના સગા દર્દીની સારવાર અંગે પૂછવામાં આવતા સિક્યુરિટી સ્ટાફ હોસ્પિટલમાં પ્રવેશ આપતો નથી. તેમજ બેફામ શબ્દ પ્રયોગ કરે છે.

ડોક્ટર બહાર નીકળે તો તેના દાંત કાઢી નાખવા છે-સગા
દર્દીના સગાએ આક્ષેપ કરતા વધુમાં જણાવ્યું હતું કે, ઓક્સિજનનો બાટલો બંધ હોવાથી અમારા દર્દી મૃત્યુ પામ્યા છે. બાટલો દીધો છતાં ચડાવ્યો નહી. સગાઓએ બાટલા જોવાની જીદ પકડી હતી પરંતુ ડોક્ટર જોવા દેવા પર પ્રતિબંધ લગાવી રહ્યાં છે. જોકે પોલીસ દોડી આવતા મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પોલીસને દર્દીના સગા જણાવે છે કે, ડિસ્ચાર્જ આપી દે તો અમે અમારી રીતે વ્યવસ્થા કરીએ. અમારા દર્દી મરી ન જવા જોઇએ. ડોક્ટર તો નીચે આવતા નથી. ડોક્ટર બહાર નીકળે તો તેના દાંત કાઢી નાખવા છે. અમે ઓક્સિજનના બાટલાની સુવિધા આપી છતાં સારવાર યોગ્ય રીતે કરવામાં આવતી નથી. ડોક્ટર મોટા મિનિસ્ટર હોય તેમ વાત કરે છે. લાશ લઇ ન જતા તેવું દર્દીના સગા વીડિયોમાં જણાવી રહ્યાં છે.

હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.
હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.

દર્દીના સગા આક્ષેપ કરે કે ઓક્સિજનના કારણે મૃત્યુ થયા છે તે વાત તદ્દન ખોટી- ડોક્ટર
કુંદન હોસ્પિટલના ડોક્ટર મનોજસિંહએ મીડિયાને જણાવ્યું હતું કે, જો બે દર્દીના મૃત્યુ થયા છે. દર્દીના સગા આક્ષેપ કરે કે ઓક્સિજનના કારણે મૃત્યુ થયા છે તે વાત તદ્દન ખોટી છે. દર્દીની હાલત ગંભીર હોવાથી મૃત્યુ પામ્યા છે. ઓક્સિજન સપ્લાયની વાત ખોટી છે. રિપોર્ટ જેવા આવે છે તેમ દર્દીના સગાને જાણ કરવામાં આવે છે. પરંતુ રિપોર્ટ આવતા પાંચ કલાક થાય છે એટલે દર્દીના સગા અકળાય છે. ઓક્સિજનની ઘટ છે એવું નથી.

પોલીસ મામલો થાળે પાડવાનો પ્રયત્ન કરી રહી છે.

ઓક્સિજનની ટેન્ક ખાલી થાય એટલે રિફીલિંગમાં જાય છે
ડોક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા પણ વ્યવસ્થા કરવામાં આવે છે. ઓક્સિજનની ટેન્ક ખાલી થાય એટલે રિફીલિંગમાં જાય છે. બંને દર્દી ગંભીર હતા. અમારાથી વ્યવસ્થા ન થાય તો સગાને કહેવામાં આવે છે. ઓક્સિજન આવતુ હોય પછી આપવામાં આવતું નથી તે વાત પણ ખોટી છે. રિફીંલિંગમાં ટાઇમ લાગે તો એમાં અમે શું કરી શકીએ. હાલ 30 દર્દી દાખલ છે, તેમાંથી 6 ક્રિટીકલ છે. 12 દર્દી ઓક્સિજન પર છે. લેખિતમાં પણ ઓક્સિજનની રજુઆત કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button