National

રાજ્ય સરકાર નાગરિકોની રોગપ્રતિકારક શક્તિ વધારશે

રાજ્ય સરકાર નાગરિકોની રોગપ્રતિકારક શક્તિ વધારશેઃ 60 હજાર કિલો આયુર્વેદિક દવા – 10 લાખ ડોઝ હોમિયોપેથિક દવા ઔષધિઓનું રાજ્યભરમાં વિતરણ કરાશે

વ્યાપક વિતરણ માટે જિલ્લા-તાલુકા-ગ્રામ્યસ્તરે તલાટી-સરપંચો-આશાવર્કર બહેનો સેવાભાવી સંગઠનોની મદદથી વિતરણની વ્યૂહરચના

ર૯૭૦૦ કિ.ગ્રામ અમૃતપેય ઊકાળો -૩૦ હજાર કિ.ગ્રામ સંશમનીવટી તથા ૧૦ લાખ ડોઝ ઓર્સેનિક આલ્બમનો રાજ્યના નાગરિકોને મળશે લાભ

વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસ, કોવિડ-19ના સંક્રમણ સામેનો જંગ  ગુજરાતમાં નાગરિકોની રોગપ્રતિકારક શક્તિ વધારીને જીતવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આરોગ્ય વિભાગ અને આયુષ આયુર્વેદ વિભાગને વ્યાપક ઉપાયો-પગલાં માટે પ્રેરિત કર્યા છે.

આ હેતુસર ગુજરાતમાં ૬૦ હજાર કિલોગ્રામ આયુર્વેદ દવાઓ તેમજ ૧૦ લાખ ડોઝ હોમિયોપેથી ઔષધિ-દવાઓના ઓર્ડર આપીને આ દવાઓ ત્વરાએ મેળવી તેનું રાજ્યવ્યાપી વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે. આ ઔષધિઓ મેળવવા માટે આયુષ અને આરોગ્ય તંત્રને સુચનાઓ અપાઈ છે.

આ દવાઓ મેળવવા માટેના ઓર્ડર પણ આયુષ વિભાગે આપ્યા છે.

રોગપ્રતિકારક શક્તિ વધારવામાં આયુર્વેદ દવાઓનો મહત્વપૂર્ણ ફાળો રહેલો છે અને આ દવાઓના અનેક સારા પરિણામો મળ્યા છે તેને પગલે મુખ્યમંત્રીશ્રીએ કોરોના સંક્રમણની આ બીજી લહેરમાં પણ આયુર્વેદ-હોમિયોપેથી ઔષધિઓના ઉપયોગથી કોરોના સામેનો જંગ જીતવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

આ નિર્ણય અનુસાર રાજ્યભરના ૩૩ જિલ્લાઓ માટે ર૯૭૦૦ કિ.ગ્રામ અમૃત પેય ઊકાળાનો જથ્થો, સંશમની વટીનો ૩૦ હજાર કિ.ગ્રામ જથ્થો તેમજ ઓર્સેનિક આલ્બમ-૩૦ ના કુલ ૧૦ લાખ ડોઝ રાજ્ય સરકાર વિવિધ સંસ્થાઓ-સંગઠનો-કેન્દ્ર સરકાર પાસેથી મેળવશે.

આ આયુર્વેદ દવાઓની વિતરણ વ્યવસ્થા પણ જિલ્લા-તાલુકા અને ગ્રામીણ સ્તર સુધી સુદ્રઢ બનાવવા તલાટીઓ, સરપંચો, આશાવર્કર બહેનો અને સેવા સંસ્થાઓ મારફતે તેનું વિતરણ જન-જન સુધી કરવાની વ્યૂહ રચના ઘડવામાં આવી છે.

કોરોનાથી સંક્રમિત દર્દીઓને સારવાર ઉપરાંત તેમનામાં રોગપ્રતિકારક શક્તિ વધારવાની બાબતને પણ વિશ્વસ્તરે સ્વીકૃતિ મળી છે ત્યારે માનવ શરીરમાં ઇમ્યુનિટી બૂસ્ટ કરતી આયુર્વેદીક દવાઓનો વપરાશ વધ્યો છે.

ગુજરાતમાં કોરોનાની પ્રથમ લહેરમાં ૯૦ લાખ પરિવારો માટે ઓર્સેનિક આલ્બમના ડોઝ, ૭૮ હજાર કિ.ગ્રામ અમૃત પેય ઊકાળા અને ૮પ હજાર કિ.ગ્રામ સંશમની વટી લોકોને પૂરી પાડવામાં આવેલી છે

સમગ્ર રાજ્યમાં ગત વર્ષ તા. ૬ માર્ચ-ર૦ર૦થી આ ઔષધિઓના વિતરણ દ્વારા અત્યાર સુધીમાં એટલે કે તા. રર એપ્રિલ-ર૦ર૧ સુધીમાં ૧૦.૭૭ કરોડ અમૃત પેય ઊકાળા ડોઝ લાભાર્થીઓ, ૮ર.૭૦ લાખ સંશમની વટીના અને ૬ કરોડ ૩પ લાખ ઓર્સેનિક આલ્બમ-૩૦ ના લાભાર્થીઓને આવરી લઇ રોગપ્રતિકારક શક્તિ વધારવાનો સફળ પ્રયોગ હાથ ધરાયો છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button