National

સાધુ…સાધુ… ! કોરોના કાળમાં ૭૧ વર્ષના નર્સ જૈમિનીબેન દ્વારા થતી દર્દીનારાયણની સેવા

દાહોદની ઝાયડ્સ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં વયોવૃદ્ધ નર્સ જૈમિનીબેન કોરોનાથી ડર્યા વિના દર્દીઓની સેવા કરે છે

આલેખન – દર્શન ત્રિવેદી

નામ એમનું છે જૈમીનીબેન જોશી. ઉંમર છે ૭૧ વર્ષ. અહીની ઝાયડ્સ હોસ્પિટલના આ સૌથી મોટી ઉંમરના મેટ્રન છે. વૃદ્ધાવસ્થાના એક પડાવ સુધી પહોંચી ગયા બાદ પણ તેમણે દર્દીનારાયણની સેવાનું કાર્ય શરૂ રાખ્યું છે અને આ સેવાકાર્ય કોરોનાકાળમાં પણ છોડ્યું નથી. ઉલ્ટાનું યુવાનોને પણ શરમાવે એવા ઉત્સાહથી તેઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે.

જૈમિનીબેનના પિતા મોહનલાલ જીવરામ જોશી દાહોદમાં પેઇન્ટિંગનું કામ કરતા હતા. આઠમાં ધોરણમાં અભ્યાસ કરતા હતા તે દરમિયાન જ પિતાનું કેન્સરની બિમાર સબબ અવસાન થયા બાદ ટૂંકા સમયમાં માતા લલીતાબેન જોશીનું પણ હાર્ટ એટેકના કારણે મૃત્યું થયું. નવ ભાઇભાંડુમાં જૈમિનીબેન ત્રીજા નંબરના. ઘરમાં આવી બિમારી જોઇને તેમને દર્દીઓની સેવા કરવાની પ્રબળ ઇચ્છા થઇ.

એને કારણે ઓલ્ડ એસસીસી પાસ કરીને જામનગર સ્થિત ઇરવિન કોલેજમાં પરિચારિકાનો અભ્યાસ વર્ષ ૧૯૭૦માં કર્યો. ત્યાં જ ખાનગી દવાખાનામાં ત્રણ વર્ષ સુધી નોકરી કર્યા બાદ રાજ્ય સરકારની સેવામાં ૧૯૭૯માં જોડાયા. દાહોદમાં વિવિધ સરકારી દવાખાનામાં સારી રીતે ફરજ બજાવી. રાજ્ય સરકારની આ સેવા દરમિયાન તેઓ હજારો દર્દીઓના સાજા થવાનું કારણ બન્યા.

રડતા રડતા દવાખાનામાં આવેલા દર્દીઓને ચહેરા ઉપર સ્મીત સાથે ઘરે મોકલ્યા. ખાસ કરીને દાહોદ જેવા આદિવાસીવાસી બાહુલ્ય વિસ્તારમાં જે તે સમયે આરોગ્ય વિષયક સેવાઓ અલ્પ હતી, તેવા સમયે જૈમિનીબેનની લીમખેડા તાલુકામાં સેવા અનન્ય રહી. હજુ પણ અનેક લોકો સાથે તેમનો નાતો જળવાઇ રહ્યો છે.

વર્ષ ૨૦૦૯માં સ્વાઇન ફ્લુનો કહેર જોઇ નિવૃત થયા બાદ પણ તેમણે પોતાની સેવા શરૂ રાખી. દાહોદમાં ઝાયડ્સ શરૂ થયા બાદ ત્રણેક વર્ષથી તેઓ ત્યાં મેટ્રન તરીકે કામ કરી રહ્યા છે. ઝાયડ્સમાં કાર્યરત ૨૭૫ જેટલી પરિચારિકાઓની એટેડન્સ લેવાનું કાર્ય તેમનું છે. પણ, હાલમાં કોરોના વોર્ડમાં માનવ સંસાધન વધુ પ્રમાણમાં કામ કરતું હોવાથી તે નર્સિંગને લગતા બીજા કામો પણ સહજતાથી કરી લે છે. ઘણી વખત દર્દીઓના પરિજનોના ઉશ્કેરાટના સમયે જૈમિનીબેનનો અનુભવ કામ કરે. સમજાવટથી દર્દીઓને પરિજનોને શાંત પાડે. આવા અનેક સારાનરસા અનુભવનું તેમની પાસે ભાથું પડ્યું છે.

તેમની તંદુરસ્તી પણ ગજબની છે. તેઓ આજે પણ ભાગ્યે જ લિફ્ટનો ઉપયોગ કરે છે. ફરજ દરમિયાન સ્ફૂર્તિથી સતત ચાલે છે. અને માત્ર એક જ ટાઇમ જમે છે. નખમાં’ય રોગ નથી. છે ને રસપ્રદ વાત ?

કોરોનાકાળમાં આવા અનેક આરોગ્યસેનાનીઓ છે જે માનવ જિંદગી બચાવવા માટે દિનરાત તનતોડ મહેનત કરી રહ્યા છે. તેમની સેવાને બિરદાવી ઘટે !

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button