National

‘સેફ રાજકોટ’ની એપ ડાઉનલોડ કરતી પોલીસ ‘અનસેફ’, સંક્રમિતોના મોબાઇલ ચેક કરવા ગયેલા 17 જવાનો કોરોના પોઝિટિવ આવ્યાં

રાજકોટમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે પોઝિટીવ આવેલા વ્યક્તિઓ પોતાના ઘરે સારવાર મેળવવા હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવે છે. પરંતુ અમુક લોકો 14 દિવસ ઘરે રહેવાના બદલે અને પોતાનો રિપોર્ટ પોઝિટીવ હોવા છતા ઘરની બહાર નીકળે છે. જેના પગલે આવા લોકો પર નજર રાખવા પોલીસને જવાબદારી સોંપાઇ છે. પોલીસ કર્મચારીઓ આવા લોકોની ઘરે જઇને મોબાઇલ એપ ડાઉનલોડ કરાવે છે. આ કામગીરી દરમીયાન યુનિવર્સીટી રોડ પોલીસ મથકના 17 જવાનો કોરોનાગ્રસ્ત બન્યા છે. કોરોના સંક્રમિત થયા બાદ હોમ ક્વોરન્ટાઇન થતા દર્દીઓ ઘરની બહાર ન નીકળે તે માટે પોલીસ તંત્ર દ્વારા સેફ રાજકોટ નામની મોબાઇલ એપ તૈયાર કરવામાં આવી છે. જેની કામગીરી લાગતા વળતા વિસ્તારના પોલીસમથકનો સ્ટાફ કરી રહી છે.

હોમ ક્વોરન્ટાઇન દર્દીઓના મોબાઇલમાં એપ ડાઉનલોડ કરી આપ્યા બાદ તે એપના માધ્યમથી હોમ ક્વોરન્ટાઇન દર્દીને તપાસવાની જે તે વિસ્તારની પોલીસને જવાબદારી સોંપવામાં આવી છે. જે કામગીરીને કારણે શહેર પોલીસના અધિકારી સહિતના કર્મચારીઓ પણ હવે સંક્રમિત થઇ રહ્યા છે. ત્યારે રવિવારે યુનિવર્સિટી રોડ પોલીસમથકના પીઆઇ એ.એસ.ચાવડા, બે પીએસઆઇ સહિત 17 કર્મચારી સંક્રમિત થતા પોલીસ બેડામાં ચિંતા ફેલાઇ છે. થોડા સમય પહેલા શહેરના ઉચ્ચ અધિકારી સહિતનાઓ સંક્રમિત થયા બાદ એક સાથે 17 પોલીસ કર્મચારીઓ સંક્રમિત થતા પોલીસ અધિકારી સહિતના કર્મચારીઓને તુરંત હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

જોકે હોમ ક્વોરન્ટાઇન થયેલા પોલીસ અધિકારી અને કર્મચારીઓની તબિયત ચિંતાજનક નહીં હોવાનું જાણવા મળ્યું છે. હોમ ક્વોરન્ટાઇન દર્દીઓને ચેક કરવાની કામગીરી જોખમી હોવા અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. તેમ છતાં ફ્રન્ટ વોરિયર તરીકે કામ કરતા પોલીસ કર્મચારીઓને આ કામગીરી માટે ટાર્ગેટ આપવામાં આવતા કચવાટ શરૂ થયો છે. જેને કારણે પોલીસ પરિવારના સભ્યો પણ ભયભીત થયા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button